સુરત શહેરમાં કુદરતનું સાંનિધ્ય :  ગોપી તળાવ




ગોપી તળાવ બન્યાને પાંચસો વર્ષ થઇ ગયા છે. આજે પણ એ તળાવ સુરતમાં અસ્તિત્વ ધરાવે છે. હા, બદલાતા સમય સાથે તેના રંગરૂપ બદલાઇ ગયા છે. એ ખરૂં કે બહાર રસ્તા પરથી તમે પસાર થાવ તો ત્યાં તળાવ હોય એવો કોઇ આભાસ નહીં થાય. ચારેકોર ગીચ વસ્તીના સંકેત આપતી ઝૂંપડપટ્ટીઓ પણ દેખાય છે, તો સારા- પાકા મકાન પણ હાજરી પુરાવે છે.



ગોપી મલિકે તળાવ ખોદાવ્યું, ત્યારે તેનો મૂળ આશય તો પીવાના પાણીનો સંગ્રહનો રહ્યો છે. હવે ઘરે ઘરે પીવાનું પાણી પાઇપલાઇન વડે પહોંચાડાય છે, ત્યારે તળાવનો મૂળ હેતુ રહ્યો નથી. પરંતુ મૂળ આનંદ તો એ જ છે કે પીવાના પાણીનો સંગ્રહ કરવો હવે દુષ્કર બન્યો નથી, ત્યારે તળાવ ખોદાય એ સંભાવના પણ ઓછી છે. આનંદ તો એ જ કે હજુ આ તળાવ અસ્તિત્વ ધરાવે છે.

         


ગોપી તળાવ સમય જતાં નામશેષ થઇ જવાને આરે પહોંચી ગયું હતું. લગભગ એક દાયકા પહેલાં તેને જાળવી રાખવાની પહેલ થઇ એ માટે રાજ્ય સરકાર તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને સલામ કહેવી જ પડે. આ વિશાળ તળાવને જાળવી રાખવાનું ભગીરથ કામ 2012માં શરૂ થયું હતું. પીપીપી – લોકભાગીદારીથી આ કામ બહુ સુંદર થયું. આજે તો ગોપી તળાવ કોંન્ક્રિટના જંગલમાં એક સારૂં પિકનિક પોઇન્ટ બની ગયું છે. 

            


પિકનિક પોઇન્ટ બનવા સાથે તેનો વિકાસ થયો, તેમાં ફક્ત તળાવ જ નહીં કુદરતી સૌંદર્યને પણ અમાપ બનાવાયું છે. વધતી જતી વસ્તી સાથે સુરત ચોમેર વિકસ્યું છે. ઘણા બાગો તથા અન્ય સ્થળો લોકોને કુદરતની સમિપે લઇ જાય છે. એ જ રીતે ગોપી તળાવ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 212 મીટરનું તળાવ તથા તેની ફરતે એન્જોયમેન્ટના સાધનો તથા ફૂડકોર્ટની હાજરીને કારણે ફેમિલી માટે એક ફરવાનું સ્થળ બની ગયું છે. નવા જમાનાની સાથે તાલ મિલાવવા માટે ફક્ત તળાવને જાળવી રાખવામાં કોઇ ખાસ ઔચિત્ય રહેતું નથી. પરંતુ તેની સાથે આસપાસની વિશાળ જમીનને પણ વિકસાવવી પડે, તો જ એ કુદરત અને તળાવની જુગલબંદી લોકોને આકર્ષી શકે. 

         


એક દાયકા પહેલાં 22 કરોડ રૂપિયાના ખર્ચે તળાવ તથા તેની આસપાસની જમીનનું નવીનીકરણ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. એ ખરૂં કે આ નવીનીકરણ બદલાતી રાજનીતિનું પણ સાક્ષી બન્યું છે. ગોપી તળાવને વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો, ત્યારે ગાંધીનગરની ગાદી પર નરેન્દ્ર મોદી તખ્તશીન હતા, પરંત જ્યારે એ પ્રોજેક્ટ પૂર્ણ થયો અને તેના ઉદધાટનનો પ્રસંગ આવ્યો, ત્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની ગયા હતા અને તેમના સ્થાને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે તેનું ઉદધાટન થયું. 

        


212 મીટરના તળાવ ઉપરાંત 970000 ચોરસ ફૂટ જમીનનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે. તળાવ પણ વિશાળ છે. ગોપી મલિકે તળાવ ખોદાવ્યું, ત્યારે લોકોને પીવાના પાણીની અગવડ નહીં પડે તેનું ઘ્યાન રાખ્યું હતું અને તેને કારણે જ આ તળાવ વિશાળ છે.380000 ચોરસ ફૂટના વિસ્તારને આવરી લેતા આ તળાવમાં 12 કરોડ લિટર પાણીનો સંગ્રહ થાય છે. શહેરની વચ્ચે શાંત નીરને સમાવતા તળાવની ફરતે લીલોતરીના સાંનિધ્ય સાંજ કેવી સુધરી જાય તેની તો કલ્પના જ તમને રસતરબોળ કરી નાંખે.

હવે જમાનો ગોપી મલિકનો રહ્યો નથી, ત્યારે નવા યુગ પ્રમાણે જ તળાવનું નવીનીકરણ થાય એ સમજી શકાય એમ છે. નવી પેઢીને આકર્ષી શકાય એ રીતે આ તળાવનો વિકાસ થયો છે. એમ્ફીથીયેટર અને ફાઉન્ટેન પ્લાઝા અહીં તૈયાર કરાયા છે. નાના બાળકો માટે ટ્રેન, બંજી, ક્રિકેટ રમી શકાય એવી સુવિધા છે. બાળકો રમી શકે એવું સ્થળ ન હોય તો એ ભેંકાર જ ગણવું પડે. અહીં તો એપાર્ટમેન્ટમાં ગોંધાયેલા બાળકો છુટથી રમી શકે એવી વિશાળ જગ્યા અને મનમોહી લે એવો બાગ તો ખરો જ, ત્યાં સૂર્ય ઢળતો જાય એમ સાંજ ગાળવી એક યાદગાર પ્રસંગ બની રહે એમ છે. ઝીપલિંગ જેવી સુવિધાઓ પણ ઊભી કરાઇ રહી છે. ઉપરાંત મનોરંજન માટે મલ્ટીપ્લેક્સ પણ તૈયાર થઇ રહ્યું છે.

તળાવ ભલે એક હોય, પણ એ આખા વિસ્તારને સાત ઝોનમાં વિભાજીત કરી તેને વિકસાવવામાં આવી રહ્યો છે. ડાયમંડ ઝોન, ફૂડ ઝોન, એન્વાર્યમેન્ટ ઝોન, હિસ્ટ્રી ઝોન, કોમ્યુનલ હાર્મની ઝોન, ટેક્સટાઇલ ઝોન અને સુરતનું જમણ. આ ઝોનના નામ પરથી જ સમજાઇ જશે કે સુરતની ઓળખને એ દ્વારા ચિરંજીવી બનાવાઇ રહી છે. એક તો ડાયમન્ડ અને કાપડ તો સુરતની ઓળખ નવી છે, અત્યારની છે. તેના ઝોન તો બનાવાયા જ છે, સાથે સાથે જુના જમાનામાં સુરત તેના ભોજન માટે પ્રખ્યાત હતું, તેની ઓળખ પણ સુરતના જમણ સાથે જીવંત કરાઇ છે. સુરતનું જમણ અને કાશીનું મરણ એવી એક ઉક્તિ પ્રચલિત હતી. સુરતમાં ભોજનની પણ અનેક વેરાયટીઓ મળી રહે. એ અંગે પણ સુરતી બ્લોગમાં વિગતે વાત કરવાની જ છે. પરંતુ ગોપી તળાવને જોવા સાથે સુરતનો કુદરતી પ્રેમ પણ અનોખો હોવાનું ઉડીને આંખે વળગે છે.

સવાલ એ થાય કે શહેરની વચ્ચોવચ આવેલા આ તળાવમાં પાણી ક્યાંથી આવતું હશે. વરસાદ એકલો પૂરતો નથી કે વિશાળ તળાવમાં જળ સૌંદર્ય કંડારી શકે. એ માટે સૂર્ય પુત્રી તાપીનું પાણી ઉપયોગમાં લેવાય છે. તાપી નદીમાંથી અહીં પાણી લાવવામાં આવે છે. આ વિશાળ છતાં પૌરાણિક તળાવને વિકસાવી તેને જાળવવાનું કામ પણ આસાન નથી, તેથી જ ગોપી તળાવનો વિકાસ કર્યા બાદ સુરત મહાનગર પાલિકાએ તેનું સંચાલન તથા જાળવણી રાજહંસ એન્ટરટેઇન્મેન્ટ નામની સ્થાનિક કંપનીને સોંપ્યું છે. આ કંપની મનોરંજન પાર્ક - ફ્યુચર ઝોનનો વિકાસ કરશે.