સુરતની શાનસમું પાંચસો વર્ષ જૂનું ગોપી તળાવ



ગોપી તળાવ...

એમ તો વર્ષો સુધી બદહાલતમાં રહ્યા બાદ હવે ફરવાનું એક સ્થળ બની ગયું છે. બહુ જાણિતું એ તળાવ પાંચસો કરતાં વધુ વર્ષ જૂનું છે. એ સાથે જ એક ઇતિહાસ જોડાયેલો છે અને તે ગોપી મલિક નામના હાકેમની યાદ અપાવતો રહે છે.

ગોપી મલિક એમ તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હમવતની ગણાય. તેનું વતન વડનગર. એમ તો એ નાગર બ્રાહ્મણ પરંતુ તેનો પરિવાર શરૂઆતથી જ વેપાર સાથે સંકળાયેલો રહ્યો છે, તેને કારણે જ ગોપી મલિકનો સુરત સાથે સબંધ બંધાયો એમ કહીએ તો ચાલે. સુરત એ વખતે જાહોજલાલી ધરાવતું બંદર ખરૂં. એ સમયે પણ અનેક દેશો સાથેનો વ્યાપાર સુરત બંદરેથી થતો હતો. સ્વાભાવિક છે કે વ્યાપાર બહોળો કરવો હોય તો સુરત આજે પણ એક મહત્વનું શહેર છે અને ત્યારે પણ હતું જ. પોતાના વ્યાપાર માટે ગોપી મલિકે સૂર્યપુર એટલે કે સુરતને પસંદ કર્યું હતું.

ગુજરાતમાં મુસ્લિમ સલ્તનત સ્થપાયા પછી વ્યાપારના મહત્વના કેન્દ્રો સ્થપાયા હતા. એ કેન્દ્રોમાં અમદાવાદ, ખંભાત, ભરૂચ અને રાંદેરનો સમાવેશ થતો હતો. આ વ્યાપારી કેન્દ્રો ઉપર મુસ્લિમ વ્યાપારીઓનો સિક્કો જામી ગયેલો, તેને કારણે જ રાંદેરના હિન્દુ, ખાસ કરીને જૈન વ્યાપારીઓ હરિફાઇ ટાળવા માટે રાંદેર છોડીને સૂર્યપુર એટલે કે સુરતમાં સ્થાયી થવા માંડ્યા હતા. અમદાવાદ અને વડોદરામાં પેઢી ધરાવતા ગોપી મલિકે પણ દક્ષિણ ગુજરાતમાં વ્યાપાર માટે નજર દોડાવી ત્યારે બંદર એવા સુરતને જ પસંદ કર્યું હતું.

પંદરમી સદીના અંત ભાગમાં તે સુરત આવીને વસ્યો અને લગભગ વીસેક વર્ષના વેપાર દરમ્યાન તેણે સારી એવી નામના મેળવી લીધી હતી. તેની વેપારી તરીકેની કુશળતા અને વ્યવહારૂતાને માપી લઇને સુલતાન મબમુદ બેગડાએ ગોપી મલિકને 1509 માં સુરત, રાંદેર અને ભરુચનો હાકેમ બનાવ્યો હતો. 1509 થી 1511 દરમ્યાન સુરત- રાંદેર અને ભરૂચના હાકેમ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ 1511 થી 1514 દરમ્યાન ગોપી મલિક ગુજરાત સલ્તનતનો મુખ્ય વજીર બન્યો હતો.

મહમુદ બેગડાએ ગોપી મલિકને હાકેમ બનાવ્યો હતો, તેની પાછળ પણ તેની રાજકિય લાભ લેવાની વૃત્તિ જ હતી. સ્વાભાવિક રીતે એ સમયે પોર્ટુગીઝો પણ ભારતમાં પોતાના થાણા જમાવવા માંગતા હતા. તેઓએ દીવ ઉપર સીધો હુમલો કરીને પોતાની શક્તિનો પરચો આપ્યો હતો. એ વખતે સુરતને સરંક્ષણની દ્રષ્ટિએ પણ મહત્વનું બંદર ગણવામાં આવતું હતું અને તેને કારણે સુરતનું મહત્વ વધી જતું હતું. પોર્ટુગીઝો તેના પર કબ્જો કરી ન લે એ માટે પોર્ટુગીઝો સાથે વ્યાપારને કારણે સારા સબંધ ધરાવતા ગોપી મલિકને સાથે રાખવા માટે જ તેને હાકેમ બનાવાયો હતો. એમ કહીએ તો ચાલે. હાકેમ અને એ પછી વજીર બનવા છતાં ગોપી મલિકનું નિવાસ સ્થાન તો ચાંપાનેર જ રહ્યું.

સુરત મહત્વનું બંદર હતું અને તેના પર સુલ્તનતનો કબ્જો રહે એ માટેના તમામ પ્રયાસો ગોપી મલિક કરતો રહ્યો હતો. એ માટે પણ સુરતમાં તેનો કાફલો રહેતો હતો. ગોપી મલિકે સુરતમાં જ્યાં વસવાટ શરૂ કર્યો અને એ માટે તે વિસ્તારને વિકસાવ્યો, એ તેના નામ પરથી જ પ્રચલિત થયો અને આજે પણ તે ગોપીપુરા તરીકે જાણિતું છે. સૈન્ય અને લોકો માટે પાણી મહત્વનું રહે છે. સૈન્યના પ્રાણીઓ માટે પણ પાણી જરૂરી હોય છે. એ સમયે પાણીના સંગ્રહ માટે શાસકો મોટા તળાવો બાંધતા હતા. ગોપી મલિકે પણ એ સમયે સુરતમાં એક વિશાળ તળાવ બંધાવ્યું, જેને તેના નામ પરથી આજે પણ ગોપી તળાવ તરીકે જાણિતું છે.

એ વખતે તાપી નદીનું પાણી મમરૂં હતું. ઘણી વખત તો સમુદ્રના પાણી તાપી નદીના પટમાં ઘૂસી આવતા હતા અને તેને કારણે તાપીનું પાણી પીવા માટે ઘણી વખત બગડતા હતા. આ સંજોગોમાં લોકોને પીવાના પાણીની સુવિધા મળે એ હેતુથી ગોપી મલિકે તળાવ બંધાવ્યું હતું. 1664માં લખાયેલા એક પુસ્તકમાં પિએટ્રો દેલા વેલાએ લખ્યું છે કે સુલ્તાન મહમુદ બેગડો તળાવનું નામ પોતાના નામ પરથી રખાય એવું ઇચ્છતો હતો. પરંતુ ગોપીએ મક્કમતાથી બેગડાની ઇચ્છાને નકારી કાઢી હતી.

સદીઓ પહેલાં પણ ગોપી તળાવ તેના સૌંદર્યને કારણે ખૂબ જ જાણિતું હતું. ભારતીય વિદ્વાનો જ નહીં યુરોપિયન નિરીક્ષકોએ પણ ગોપી તળાવની સુંદરતાનું આલેખન કરતાં કેટલાય પ્રકરણો તેમના પુસ્તકોમાં લખ્યા છે.

1510માં બંધાયેલું ગોપી તળાવ એ ફક્ત તળાવ ન હતું. તેની ફરતે કેટલાય બાગો અને કેરીની વાડીઓ હતી. ગોપી તળાવની સુંદરતાની વાતો ચારેકોર એટલી ફેલાતી રહી હતી કે 1573માં સમ્રાટ અકબરે તો સુરતના કિલ્લાને ફરતે ઘેરો ઘાલ્યો ત્યારે તેના સૈન્યની છાવણી ગોપી તળાવના કાંઠે સ્થાપી હતી.

એ વખતે ગોપી તળાવમાં જવા માટે આઠ પ્રવેશ દ્વાર હતા. એ વાટે લોકો તથા પ્રાણીઓ ગોપી તળાવના પાણીનો ઉપયોગ કરી શકતા હતા. તળાવની મધ્યે એક શિવ મંદિર પણ હતું. અડધો માઇલ સુધીના વિસ્તારમાં 16 ચોરસ બનાવાયા હતા. પથ્થરના એ પગથિયાં પાણી લેવા જવા માટે સાનુકૂળ રહેતા હતા. એ પગથિયાં ચતુષ્કાણિય વાવ માટે બનાવેલા હતા. પાંચ- છ પગથિયા પછી એક વિશાળ પગથાર હતું.

અંગ્રેજ પ્રવાસી પીટર મૂન્ડીએ ગોપી તળાવમાં પાણીના સંગ્રહ માટેની ટેકનિક અંગે ખાસ લખ્યું છે કે, ગોપી તળાવમાં પાણીને લઇ જવા માટે એક વિશાળ ખાઇ બનાવાઇ હતી. ખાઇ દ્વારા પાણીને નાના ટાંકામાં એકત્ર કરાતું હતું, ત્યાં પાણીમાંની માટી ઠરી જાય એ પછી તે પાણી તળાવમાં ઠલવાતું હતું. આ રીતે ગોપી તળાવના પાણી ચોખ્ખું કરાતું હતું.

જો કે એ પછી ગોપી તળાવની સુંદરતા અને તેનો વૈભવ સાવ બિસમાર થઇ ગયો હતો. પરંતુ 2015માં ફરીથી તેને પુર્નજીવીત કરવા માટે સુરત મહાનગર પાલિકાએ કરોડો રૂપિયા ખર્ચ કરી તેને ફરવાનું સ્થળ બનાવ્યું છે, એ વાત ગોપી તળાવના હાલના રંગરૂપ સાથે ફરી કોઇ વખત કરીશું...