સુરતના ક્લોક ટાવરની સાર્ધ
શતાબ્દી
લેખ : અશોક પટેલ
જુનાગઢ, મોરબી, રાજકોટ અને સુરત વચ્ચે સામ્યતા કઇ ?
જી, એ ચારે શહેરો ગુજરાતના હોવા ઉપરાંત એક વિશેષ સામ્યતા એ
છે કે એ ચારે નગરો ક્લોક ટાવરવાળા છે ! એમાંય સુરતનું ક્લોક ટાવર તો 2021માં 150મા વર્ષે પણ
ગૌરવભેર શહેરની શાન તરીકે ઊભું છે.
સમયની ગણતરી તો માનવી બહુ મોડા કરતાં શીખ્યો હતો. એ વખતે
સમયને માપવા, બહુ સાદી રીતે કહીએ તો દિવસને માપવા માટેના સાધનો અનોખા હતા. સૂર્ય
ઘડી કે રેત ઘડી જેવા સાધનો એ વખતે બહુ પ્રચલિત હતા. એ ખરૂં કે વ્યક્તિગત રીતે તો
લોકો ફક્ત સૂર્યોદય અને સૂર્યાસ્તને સમજીને પોતાનું જીવન ગોઠવી દેતાં હતા. આદિમાનવ
માટે તો સમયની ખાસ ઉપયોગિતા જ ન હતી. તેણે તો સૂર્યોદય સાથે ઉઠીને શિકાર કરીને પેટ
ભરવા સિવાય બીજું કશું કરવાનું ન હતું. વિકાસનો ક્રમ ધીરે ધીરે આગળ વધતો ગયો, તેમ
તેમ માનવી દિવસનો ભરપુર ઉપયોગ કરવાનું શીખ્યો અને એ માટે જ તેને સમય માપનની જરૂર
પડી. એ વખતે માનવી પાસે આજે કાંડા શોભાવતી ઘડિયાળ તો ઠીક ઘર ઘડિયાળ પણ ન હતી. સમય
પ્રમાણે કામ કરવાની ટેવ પડતી જાય એ માટે શહેરોમાં ક્યાંક એ સુવિધા ઊભી થતી.
સાર્વજનિક રીતે જેનો ઉપયોગ થઇ શકે એવું ઘડિયાળ હોય તો નગરના તમામ લોકોને તેનો લાભ મળે
અને ઘડિયાળના કાંટે જીંદગી સુવ્યવસ્થિત રીતે ગોઠવાય એવી જરૂરિયાત ઊભી થઇ અને
તેમાંથી ક્લોક ટાવરનો વિચાર ઊભો થયો હતો.
12મી સદીના મધ્યમાં પહેલું ક્લોક ટાવર ઊભું થયું હતું. એ
વખતે આધુનિક ઘડિયાળ ન હતી. એથેન્સ ખાતે એવી ઘડિયાળ બની હતી. 8 સન ડાયલ એટલે કે
સૂર્યઘડી તથા તેના કેન્દ્રમાં એક જળઘડી હતી. એથેન્સનું એ ઘડિયાળ આખા શહેરને સમયની
જાણકારી આપતું હતું. ધીરે ધીરે માનવી ઘડિયાળના કાંટે જીવતો શીખવા માંડ્યો હતો.
એથેન્સનું જોઇને અનેક નગરોને પણ સાર્વજનિક ઘડિયાળની જરૂરિયાત સમજાઇ હતી. એથેન્સ
પછી 1088માં ચીનના ફેઇફેંગ ખાતે સુ સોગ નામની વ્યક્તિએ એસ્ટ્રોનોમિકલ ક્લોક બનાવી
હતી. પરંતુ તેના કરતાં વધુ ઉપયોગી અને જાણિતી ઘડિયાળ 1288માં યુનાઇટેડ કિંગ્ડમના
વેસ્ટ મિન્સ્ટર ખાતે બિગ બેન બની હતી. આજે પણ તેના ડંકા સાંભળવાનો એક લ્હાવો છે. એ
સમયે ક્લોક ટાવર બનાવવાની હોડ શરૂ થઇ હતી. દરેક વિકસેલા નગરમાં ક્લોક ટાવર હોય એ
વિકાસનું એક પ્રતિક ગણાતું હતું.
સામાન્ય લોકો માટે ઘડિયાળ વસાવવું એક લક્ઝરી હતી. શરૂઆતના
તબક્કામાં ખિસા ઘડિયાળ કે કાંડા ઘડિયાળ એ સમાજના ઉચ્ચ લોકો પૂરતી જ સીમિત હતી. એ
વખતે ક્લોક ટાવર નગરના તમામ લોકોને સમયનો અહેસાસ કરાવતું હતું. આખી દુનિયામાં
ક્લોક ટાવર બનતા હતા. એ વાયરો ભારતમાં પણ આવ્યો હતો. સ્વાભાવિક છે કે આપણે ત્યાં
તો આઝાદી મળી ત્યાં સુધી ઘડિયાળનું ખાસ ચલણ ન હતું. 1950ના દાયકા પહેલાં તો ઘડિયાળ
હોવી એ પણ શ્રીમંતાઇનું પ્રતિક હતી. એ સંજોગોમાં સામાન્ય લોકો માટે ક્લોક ટાવર જ
સમય જાણવા માટેનું હાથવગું સાધન હતું. ક્લોક ટાવરની વાત કરીએ એટલે દેશના કેટલાક
જાણિતા ટાવર યાદ આવ્યા વિના નહીં રહે ! ખાસ કરીને, મુંબઇનું રાજાબાઇ ક્લોક ટાવર તો આજે પણ એ
વિસ્તારની ઓળખસમું બની રહ્યું છે. મુંબઇ યુનિવર્સિટી ખાતેનું એ ટાવર ક્લોક
દેશભરમાં જાણિતું રહ્યું છે. એ ઉપરાંત ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આવેલું 1881માં
બનેલું હુસૈનાબાદ ક્લોક ટાવર પણ જાણિતું છે. 67 મીટર ઊંચું એ ટાવર દેશના જાણિતા
શહેરને સમયથી જગાડતું રહ્યું છે. ઘંટા ઘર તરીકે જાણિતું રાજસ્થાનના જોધપુરના સરદાર
માર્કેટના વિસ્તારમાં આવેલું ટાવર ક્લોક 1880માં બન્યું હતું. એ ઉપરાંત કોલ્હાપુર
ખાતે આવેલા શાહુ મહારાજના મહેલનું ક્લોક ટાવર પણ લોકોને સમય જાણવા માટેનું એક
હાથવગું સાધન હતું.
દેશની સાથે સાથે ગુજરાતમાં પણ ક્લોક ટાવર સમય માપન માટે ઊભા
થવા માંડ્યા હતા. ખાસ કરીને ચાર શહેરોના ક્લોક ટાવર ખૂબ જ જાણિતા રહ્યા છે. જામનગર
ખાતે આવેલું શૈફી ક્લોક ટાવર, 1935માં સર જ્યોર્જ એમ્બ્રોસ લોઇડ દ્વારા બનેલું
મોરબીના નહેરૂ ગેટ ખાતેનું ક્લોક ટાવર અને રાજકોટના બેદીગેટ ખાતેનું ક્લોક ટાવર. આ
ત્રણ ઉપરાંત ચોથું ક્લોક ટાવર એટલે સુરતનું ક્લોક ટાવર.
સુરતના ટાવર વિસ્તાર તરીકે જાણિતા ઝાંપાબજારનું પ્રવેશદ્વાર
એટલે આ ટાવર એમ કહી શકાય. એક જમાનો હતો, જ્યારે કોટ વિસ્તાર પૂરતા સીમિત એવા સુરત
શહેરનો સમય આ ટાવરના ડંકા પર ચાલતો હતો. ખાસ કરીને રાત્રી સમયે તો તેના ડંકા આખા શહેરમાં સંભળાતા હતા. સમયનું મહત્વ
સમજાયા બાદ શહેરને સમય આધારિત ચલાવવા માટે ક્લોક ટાવરની જરૂરિયાત સમજાઇ ગઇ હતી.
પરંતુ એ ટાવર ઊભો કરવા અને તેમાં ઘડિયાળ ચલાવવા માટે પણ નાના માણસનું ગજું નહીં.
દક્ષિણ ગુજરાતના વિકાસમાં પારસીઓનો ફાળો બહુ મોટો છે. સુરતમાં પણ પારસીઓ ઘણા
અગ્રેસર રહ્યા છે. ક્લોક ટાવરનો વિચાર અને એ ખર્ચ કરવાની શક્તિ પણ એ વખતે પારસી પાસે
જ હોય એમાં નવાઇ પામવા જેવું નથી. ખરેખર સાલસ એવા પારસીઓ સાહસિક પણ ખરા. નવા યુગના
પગરણ માંડવામાં તેઓ સતત આગળ રહ્યા છે. સુરતમાં 1871ની સાલમાં ક્લોક ટાવર બનાવવાનો
વિચાર અને પૈસા પારસી જ કાઢી શકે એ સમજી શકાય એમ છે. પારસીઓ સમૃદ્ધ હોવા ઉપરાંત
સમાજસેવાના કામોમાં પણ આગળ રહ્યા છે. એ જમાનામાં ક્લોક ટાવર માટે 14000 રૂપિયાનો
ખર્ચ આવતો હતો. એ ખર્ચ કરવાની જાંબાઝી પણ પારસીએ જ દેખાડી હતી. ખાન બહાદૂર બરજોરજી
મેરવાનજી ફ્રેસરે પિતા મેરવાનજી હોરમસજી ફ્રેસરની યાદમાં ઝાંપાબજાર ખાતે ક્લોક
ટાવર ઊભું કર્યું હતું.
એ વખતે ઝાંપાબજાર સુરતનું મુખ્ય બજાર હતું. તેની આસપાસ જ
સુરત વિકસેલું હતું. આજે પણ એ 80 મીટર ઊંચું ક્લોક ટાવર પરથી એ વિસ્તાર ટાવર તરીકે
ઓળખાય છે. સુરતના સૌથી જુના સ્મારકોમાંનું એક એવું ક્લોક ટાવર આજે પણ અડિખમ છે.
તેની ચારે બાજુ ઘડિયાળના ડાયલ આજે પણ ચારેદિશામાંથી સમય જોવાની સગવડની ગવાહી પૂરે
છે. હા, હવે તેમાં અંદર જવા ઉપર પ્રતિબંધ છે અને જુના સમયનું ડંકા ઘડિયાળ હવે
ચાલતું નથી. તેનું મિકેનિઝમ જાણતા લોકોનો અભાવ છે અને તેને કારણે એ ઘડિયાળ બંધ
પડ્યું છે. હા, ટાવર હજુ મજબૂત છે અને તે સુરતના જુના વૈભવની ઝાંખી કરાવતો રહે છે.
એ ટાવર 1871માં બન્યો હતો અને તેના ડંકાના આધારે સુરત ધબકતું હતું, આજે સમય બદલાયો
છે. મોબાઇલમાં ઘડિયાળ સમાઇ ગયું છે, ત્યારે ટાવરનું ઘડિયાળ જોવાની ફુરસદ ભાગ્યે જ
કોઇ સુરતી પાસે હશે, પરંતુ આજે પણ ટાવર એક શાનસમો સુરતી સાલસતા અને વૈભવના
પ્રતિકરૂપે યાદ અપાવતો ઊભો છે.
1 ટિપ્પણીઓ
ખૂબ જ સરસ લેખ છે અને તેમાં એક વાત ઉમેરવાની ઇચ્છા છે. મુંબઈમાં આવેલું રાજાબાઈ ટાવર પ્રેમચંદ રાયચંદે તેમની માતાની યાદમાં બંધાવ્યું હતું અને તેઓ મૂળ સુરતનાં હતા. તેમના પિતા રાયચંદ દીપચંદ, જેમના નામ ઉપરથી ગોપીપુરામાં રાયચંદ દીપચંદ શાળા અને સુભાષ ચોક પર રાયચંદ દીપચંદ ધર્મશાળા આવી છે, તે ઊપરાંત તેમના પુત્રનાં નામ પરથી કીકાભાઈ પ્રેમચંદ કોલેજ પણ છે.
જવાબ આપોકાઢી નાખોઆભાર